ગરમી બાદ હવે મેઘરાજાની એન્ટ્રી, IMDની મોટી આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, રાજ્યમાં 4 દિવસ વરસાદી વાતાવરણ
28 May 2026 Gujarat Updates Team: ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના બુલેટિન અનુસાર 30 મે થી 3 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીનો માહોલ, 30 મેથી અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ આગાહી પાછળનું મુખ્ય કારણ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવે છે.
હાલની સ્થિતિ: ગરમીથી લોકો પરેશાન
હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં બુધવારે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનથી લોકો અકળાઈ રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહી શકે છે. જોકે 30 મે પછી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
30 મેથી વરસાદી માહોલની શરૂઆત
30 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.
31 મેના રોજ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદી માહોલ રહેશે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1 જૂનથી વરસાદનો વ્યાપ વધશે
1 જૂનના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2 અને 3 જૂને અનેક વિસ્તારોમાં ગાજવીજ
2 જૂનના રોજ રાજયના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે. રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 3 જૂને પણ સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) લોકોને સાવચેતી રાખવા અને વીજળી પડતી વખતે ખુલ્લા મેદાનમાં ન જવા સલાહ આપી છે.
40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વરસાદી પ્રવૃત્તિ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે નબળા માળખાં, હોર્ડિંગ્સ અને વૃક્ષોને નુકસાન પહોંચવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) ખેડૂતોને પણ ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ પશુઓ માટે આશ્રયની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે.
ચોમાસાની એન્ટ્રી માટે અનુકૂળ સ્થિતિ
અરેબિયન સમુદ્રમાં ચોમાસાની આગળ વધવા માટેની પરિસ્થિતિ અનુકૂળ બની રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી થોડા દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધે તેવી શક્યતા છે. આ સ્થિતિ ગુજરાતમાં વહેલા ચોમાસાના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધતા રાજ્યમાં ઉનાળાની ગરમીમાં ઘટાડો થશે અને લોકોને રાહત મળશે. જોકે ગાજવીજ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી રહેશે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
