દેશવ્યાપી કેમિસ્ટ હડતાળથી મેડિકલ સ્ટોર્સ બંધ
દેશવ્યાપી કેમિસ્ટ હડતાળથી ગુજરાતમાં 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ
20 May 2026 Gujarat Updates Team : દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ-ફાર્મસી નીતિઓ સામે બુધવારે કેમિસ્ટોએ એક દિવસીય બંધ પાળી સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.. આ વિરોધ પ્રદર્શનનું આયોજન All India Organisation of Chemists and Druggists દ્વારા કરવામાં આવ્યું છે.. સંગઠનના જણાવ્યા અનુસાર દેશભરના અંદાજે 12.5 લાખથી 15 લાખ સુધીના કેમિસ્ટોએ આ હડતાળમાં ભાગ લઇ રહ્યા છે..
ગુજરાતમાં પણ હડતાળનો વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ પાળી રહ્યા છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કેમિસ્ટોએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી ઓનલાઈન ફાર્મસી કંપનીઓને મળતી રાહતો સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખાસ કરીને અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા હતા. વેપારીઓનું કહેવું છે કે ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી )કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ અને સરળ નિયમોને કારણે નાના તેમજ મધ્યમ સ્તરના દવા વેપારીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
ઓનલાઈન દવાઓના વેચાણ સામે કેમિસ્ટોમાં ભારે રોષ
કેમિસ્ટ સંગઠનોનું માનવું છે કે ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી )પ્લેટફોર્મ્સ પર દવાઓના વેચાણ માટે પૂરતી કાનૂની નિયંત્રણ વ્યવસ્થા નથી. ખાસ કરીને કેટલીક એવી દવાઓ, જે માત્ર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન પર જ મળવી જોઈએ, તે ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ થતી હોવાના કારણે દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન દવાઓની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવેલી તાત્કાલિક છૂટનો હવે મોટી કંપનીઓ દ્વારા વ્યાપારી ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સંગઠનોના જણાવ્યા મુજબ, ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી )કંપનીઓ ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરો આપી રહી છે, જેના કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર્સ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત દવાખાનાઓ આજે પણ આરોગ્યસેવાનો મહત્વપૂર્ણ ભાગ છે. જો આવી દુકાનો ધીમે ધીમે બંધ થવાની સ્થિતિમાં આવે, તો ભવિષ્યમાં દર્દીઓને જરૂરી દવાઓ અને તાત્કાલિક સેવા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કેમિસ્ટ એસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મોટી માંગ
હડતાળ દરમિયાન કેમિસ્ટ સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ ફરી દોહરાવી હતી.
પ્રથમ માંગણી મુજબ, ઓનલાઈન દવાઓના વેચાણને માન્યતા આપતા GSR 817 નોટિફિકેશનને તાત્કાલિક પાછું ખેંચવામાં આવે. વેપારીઓનો દાવો છે કે આ નિયમો કારણે બિનનિયંત્રિત ઓનલાઈન વેચાણ વધી રહ્યું છે.
બીજી માંગણી કોરોનાકાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા GSR 220 સહિતના ડ્રાફ્ટ નોટિફિકેશન રદ કરવાની છે. સંગઠનનું માનવું છે કે મહામારી પૂર્ણ થયા બાદ પણ આ નિયમો ચાલુ રાખવાની જરૂર નથી.
ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ માંગ ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી )પ્લેટફોર્મ્સ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ લાવવાની છે. કેમિસ્ટોના મતે કોર્પોરેટ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નુકસાન સહન કરીને ડિસ્કાઉન્ટ આપે છે, જેના કારણે નાના વેપારીઓ બજારમાં ટકી શકતા નથી.
દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા
હડતાળ વચ્ચે દર્દીઓને દવાઓની તંગી ન પડે તે માટે રાજ્ય સરકાર અને કેમિસ્ટ સંગઠનોએ ખાસ આયોજન કર્યું હતું. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યભરમાં 832 જેટલી મેડિકલ સ્ટોર્સ ખુલ્લી રાખવાની યાદી જાહેર કરી હતી. હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સ, 24 કલાક સેવા આપતી ફાર્મસી અને સરકારી જનઔષધિ કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા હતા.
અમદાવાદ સિવાય સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ હોસ્પિટલ કેમ્પસની અંદર આવેલી દવાની દુકાનો યથાવત ચાલુ રહી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ગામદીઠ ઓછામાં ઓછી એક મેડિકલ સ્ટોર ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સરકાર અને CDSCO એલર્ટ મોડમાં
દેશવ્યાપી હડતાળની જાહેરાત બાદ Central Drugs Standard Control Organisation (CDSCO) એ તમામ રાજ્યોના ડ્રગ કંટ્રોલરોને દવાઓની અછત ન સર્જાય તેની ખાતરી કરવા જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. સત્તાવાળાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય અને સારવાર સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નહીં બને અને જરૂરી દવાઓની સપ્લાય સતત જાળવવી પ્રાથમિકતા રહેશે.
કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશની તમામ કેમિસ્ટ સંસ્થાઓ હડતાળના સમર્થનમાં નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં કેટલીક રાજ્યસ્તરીય કેમિસ્ટ એસોસિએશનોએ દવાઓની સપ્લાય અને મેડિકલ સ્ટોર્સની સેવાઓ નિયમિત રીતે ચાલુ રાખવાની ખાતરી આપી હતી, જેથી સામાન્ય લોકોને સારવારમાં મુશ્કેલી ન પડે.
ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી ) મુદ્દે દેશભરમાં બે મત
એક તરફ કેમિસ્ટ સંગઠનો ઓનલાઈન દવાઓના વેચાણનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય ગ્રાહકોમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ચર્ચાઓમાં કેટલાક લોકોનું માનવું છે કે ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી ) દ્વારા સસ્તી દવાઓ અને ઘર સુધી ડિલિવરીની સુવિધા મળવાથી દર્દીઓને ફાયદો થાય છે. જ્યારે અન્ય લોકો દર્દીઓની સલામતી અને નકલી દવાઓના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી ) પ્લેટફોર્મ્સને કારણે દવાઓ વધુ સસ્તી મળી રહી છે, જ્યારે સ્થાનિક દુકાનો ઓછો ડિસ્કાઉન્ટ આપે છે. બીજી તરફ કેમિસ્ટોનું માનવું છે કે દવાઓ કોઈ સામાન્ય વસ્તુ નથી અને તેનું વેચાણ કડક નિયમો હેઠળ થવું જોઈએ.
નકલી દવાઓનો મુદ્દો બન્યો મુખ્ય ચિંતાનો વિષય
તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં કરોડો રૂપિયાની નકલી દવાઓ ઝડપાતા દવાઓના ઓનલાઈન વેચાણ અંગેની ચિંતાઓ વધુ ઊભી થઈ છે. કેમિસ્ટ સંગઠનોનો દાવો છે કે ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ પર નકલી પ્રિસ્ક્રિપ્શન અને AI ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા ખોટા દસ્તાવેજોના આધારે નિયંત્રિત દવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે. પરિણામે, ખાસ કરીને યુવાનોમાં દવાઓના ગેરવપરાશ અને વ્યસનનું જોખમ વધતું હોવાનું તેઓ કહે છે.
આરોગ્યસેવા અને વેપાર વચ્ચે સંતુલનની જરૂર
આ સમગ્ર વિવાદે ફરી એકવાર દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન અને પરંપરાગત વેપાર વચ્ચેના સંઘર્ષને ઉજાગર કર્યો છે. એક તરફ ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી )પ્લેટફોર્મ્સ ટેક્નોલોજી અને ડિસ્કાઉન્ટના આધારે ઝડપથી બજારમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે, તો બીજી તરફ લાખો નાના કેમિસ્ટો પોતાનો વ્યવસાય બચાવવા માટે લડી રહ્યા છે.આવનારા સમયમાં સરકાર માટે સૌથી મોટો પડકાર એવો રહેશે કે દર્દીઓને સસ્તી અને સરળ દવાઓ ઉપલબ્ધ રહે, સાથે જ નાના વેપારીઓના હિતો પણ સુરક્ષિત રહે. હાલમાં તો એક દિવસીય હડતાળે દેશભરમાં આરોગ્ય સેવાઓ અંગે નવી ચર્ચા જગાવી દીધી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
