ગુજરાતમુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં જનજીવન ઠપ, નદીઓએ તોડ્યા રેકોર્ડ

23 July 2026 Gujarat Updates Team: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લાઓમાં વરસાદે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના તાજેતરના વરસાદી આંકડા મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 387 મીમી (15.24 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં 251 મીમી (9.88 ઇંચ) વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો જળબંબાકાર બની ગયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

જિલ્લા વહીવટી તંત્રે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓની જળસપાટી સતત વધી રહી હોવાથી નદીકાંઠાના ગામોમાં ફ્લડ એલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તથા જરૂર પડે તો સ્થળાંતર માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં?
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOC ના વરસાદી આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ પ્રમાણ વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયું છે.સૌથી વધુ વરસાદ નોંધાયેલા તાલુકાઓમાં ઉમરગામમાં 387 મીમી, કપરાડામાં 320 મીમી, નાનાપોંઢામાં 291 મીમી, વલસાડમાં 285 મીમી, પારડીમાં 258 મીમી અને નવસારી જિલ્લાના ખેરગામમાં 251 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધરમપુરમાં 212 મીમી, વાપીમાં 164 મીમી, ગણદેવીમાં 160 મીમી અને સુરત જિલ્લાના પલસાણામાં 159 મીમી વરસાદ નોંધાતા સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હવામાન વિભાગે નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર રાખ્યું છે જ્યારે સુરત, ડાંગ અને તાપી માટે ઓરેન્જ એલર્ટ અમલમાં છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામમાં સૌથી વધુ 7.20 ઇંચ, સુરતના ઉમરપાડામાં 5.12 ઇંચ, પારડીમાં 3.70 ઇંચ, કપરાડામાં 3.31 ઇંચ, નાનાપોંઢામાં 3.27 ઇંચ, ધરમપુરમાં 2.99 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.56 ઇંચ, ભરૂચમાં 2.28 ઇંચ, વાપીમાં 2.28 ઇંચ અને ડાંગમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો હતો.

પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ ભયજનક સપાટીની નજીક
ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાતા નવસારી જિલ્લા પ્રશાસને નદીકાંઠાના ગામોમાં વિશેષ ચેતવણી જાહેર કરી છે. જૂજ ડેમ ઓવરફ્લો થતાં અને કેલિયા ડેમ ભરાવાની સ્થિતિમાં પહોંચતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોના સરપંચો, તાલુકા તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

બીલીમોરામાં ઘરોના પ્રથમ માળ સુધી પાણી
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. દેસરા સહિતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં કેટલાક સ્થળોએ પાણી પ્રથમ માળ સુધી પહોંચી ગયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.પરિવારોએ ઘરનો જરૂરી સામાન ઉપરના માળે ખસેડવાની ફરજ પડી છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ અસરગ્રસ્ત બન્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે સ્થાનિક પ્રશાસન સતત કાર્યરત છે.

ચંદનવન સહિત અનેક વિસ્તારો પાણીમાં
નવસારી શહેરના ચંદનવન તળાવમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ચંદનવન સોસાયટી, ગ્રીન પાર્ક, સિટી ગાર્ડન અને અન્ય રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બજારોમાં વેપાર પર અસર જોવા મળી રહી છે અને ઘણા વેપારીઓએ દુકાનો સમય પહેલાં બંધ કરી દીધી છે.

24 ગામો હાઈ એલર્ટ પર
જૂજ ડેમમાંથી વધતા પાણી અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને વાંસદા, ગણદેવી અને ચીખલી તાલુકાના કુલ 24 ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને નદીકાંઠાથી દૂર રહેવા, પશુઓને સલામત સ્થળે ખસેડવા અને જરૂર પડે તો તાત્કાલિક સ્થળાંતર કરવા તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.

સતત ધોધમાર વરસાદને કારણે ખાસ કરીને વલસાડ જિલ્લો જળબંબાકાર બન્યો છે. આજે સવારે માત્ર 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ઉમરગામમાં 7.20 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદના પગલે ઔરંગા નદી ગાંડીતૂર બની છે અને શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં મકાનોના પ્રથમ માળ સુધી પાણી પહોંચી ગયા છે, જ્યારે દાણા બજાર સહિત અનેક વિસ્તારોમાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

80થી વધુ માર્ગો બંધ
સતત વરસાદ અને ઓવરટોપિંગને કારણે નવસારી જિલ્લામાં લગભગ 80 જેટલા નાના-મોટા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે તૂટી ગયો છે.રાજ્ય માર્ગો ઉપરાંત ગ્રામ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થતાં બસ સેવા અને ખાનગી વાહનવ્યવહારને અસર પહોંચી છે. પ્રશાસને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

શિક્ષણ અને જનજીવન પર ગંભીર અસર
વાંસદા તાલુકાની કેટલીક શાળાઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં શિક્ષણકાર્ય પર અસર પડી છે. કેટલાક વિસ્તારોમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ગો સ્થગિત કર્યા છે.ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. શાકભાજી, ડાંગર અને અન્ય વરસાદી પાકોને સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

SDRF અને પ્રશાસન સતત કાર્યરત
પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા SDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગ અને વીજ વિભાગના કર્મચારીઓ પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિભાગોને 24 કલાક એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. કંટ્રોલ રૂમ મારફતે વરસાદ, ડેમ અને નદીની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દાદરા અને નગર હવેલીમાં પણ અસર
દક્ષિણ ગુજરાતને અડીને આવેલા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાનવેલ નજીકના ટોટડ ગામમાં પાણીમાં ફસાયેલા 28 લોકોને NDRFની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

આગામી 24 કલાક સૌથી મહત્વપૂર્ણ
ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી કલાકોમાં વધુ વરસાદ પડવાની સંભાવના હોવાથી પૂરનું જોખમ હજુ ટળ્યું નથી.

નાગરિકો માટે પ્રશાસનની અપીલ
જિલ્લા પ્રશાસને લોકોને નદીકાંઠા, ડેમ અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અપીલ કરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજ તારોથી સાવચેત રહેવા, બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા દેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવી છે.જો સ્થળાંતરની સૂચના આપવામાં આવે તો તાત્કાલિક સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂર મુજબ વધારાની બચાવ ટીમો મોકલવાની તૈયારી રાખવામાં આવી છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :


આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના
 આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.