સરકારના ટેસ્ટ મેસેજ પાછળ શું રહસ્ય છે?
દેશવ્યાપી મોબાઇલ આપત્તિ એલર્ટ સિસ્ટમના ટ્રાયલ્સ શરૂ
New Delhi,30 April,2026 : કેન્દ્ર સરકારે દેશભરમાં મોબાઇલ આધારિત આપત્તિ ચેતવણી સિસ્ટમના ટ્રાયલ્સ શરૂ કર્યા છે. સરકાર દ્વારા નાગરિકોને આ દરમિયાન મળતા ટેસ્ટ મેસેજોને અવગણવા માટે અપીલ કરવામાં આવી છે. સત્તાવાર નિવેદન મુજબ, આ મેસેજો માત્ર સિસ્ટમની ચકાસણી માટે મોકલવામાં આવી રહ્યા છે અને તેમાં કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.
દૂરસંચાર વિભાગ (DoT) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સહયોગથી આ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. તેનો મુખ્ય હેતુ આપત્તિના સમયે નાગરિકોને સમયસર અને અસરકારક રીતે ચેતવણી પહોંચાડવાનો છે.
આ નવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા ભલામણ કરાયેલા Common Alerting Protocol (CAP) પર આધારિત છે. હાલ આ સિસ્ટમ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે અને ચોક્કસ વિસ્તારોમાં SMS દ્વારા એલર્ટ મોકલવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે, Cell Broadcast (CB) ટેકનોલોજી પણ અમલમાં મુકાઈ છે. આ ટેકનોલોજી દ્વારા કોઈ ચોક્કસ વિસ્તારના તમામ મોબાઇલ ફોનમાં એક સાથે એલર્ટ મોકલી શકાય છે, જેના કારણે સંદેશો લગભગ તરત જ પહોંચે છે. CB ટેકનોલોજી ખાસ કરીને એ સમયે ઉપયોગી બને છે જ્યારે નેટવર્ક વ્યસ્ત હોય, કારણ કે તે બધા ઉપકરણોને એકસાથે મેસેજ મોકલે છે.
સત્તાવાર નિવેદન મુજબ, “પાન-ઈન્ડિયા સ્તરે આ સિસ્ટમના અમલીકરણ પહેલા તેની કામગીરી અને વિશ્વસનીયતા તપાસવા માટે ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. આ દરમિયાન લોકોને અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ટેસ્ટ મેસેજ મળી શકે છે.” સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ મેસેજો માત્ર પરીક્ષણનો ભાગ છે અને નાગરિકોએ ગભરાવાની કે કોઈ પગલાં લેવા જરૂરી નથી. સરકાર દ્વારા હાલમાં દેશવ્યાપી પરીક્ષણ ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકોને નીચે મુજબના મેસેજ મળી શકે છે: * અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ટેસ્ટ એલર્ટ, મોટો અવાજ (બિપ) સાથે મેસેજ , એકથી વધુ વખત મેસેજ મળવાની શક્યતા છે. આ બધા મેસેજ માત્ર ટેસ્ટિંગ માટે છે અને નાગરિકોએ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.
આ પ્રોજેક્ટનો હેતુ આપત્તિ સમયે ઝડપથી ચેતવણી આપવાનો છે, આ સિસ્ટમના અમલ બાદ ભૂકંપ, પૂર, ચક્રવાત અને અન્ય આપત્તિઓ દરમિયાન લોકો સુધી ઝડપી ચેતવણી પહોંચાડી શકાય તેવી શક્યતા છે, જેનાથી જાનહાનિ ઘટાડવામાં મદદ મળશે. આ સિસ્ટમ દ્વારા લોકોને જીવ બચાવવા માટે પહેલેથી ચેતવણી આપી શકાય છે, જેથી સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી શકાય.
આ નવી વ્યવસ્થા “Alert for All” દ્રષ્ટિકોણ હેઠળ વિકસાવવામાં આવી રહી છે, જેનો હેતુ દેશના દરેક નાગરિક સુધી ઝડપી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો છે. મોબાઇલ આધારિત આપત્તિ એલર્ટ સિસ્ટમ ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના ટ્રાયલ્સ પૂર્ણ થયા બાદ, આ સિસ્ટમ દેશભરમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે, જે આપત્તિના સમયે લાખો લોકોના જીવન બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે
