અઢી વર્ષનું ભાડું = નવી બસો! તો પછી આ ભાડાખોરી કેમ?
Ahmedabad 24 April, 2026 : Gujarat Updates Team: રાજ્યના રસ્તાઓ પર દોડતી નવી ચમચમતી એસી અને વોલ્વો બસોમાં પગ મૂકતાં જ મુસાફરોને લાગે કે હવે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ખરેખર સુધારો આવી રહ્યો છે. આરામદાયક સીટ, ઠંડક ભરેલું વાતાવરણ અને સમયસર સેવા — બધું જ “પ્રીમિયમ” લાગે છે. પરંતુ આ આરામની પાછળ એક એવી હકીકત છુપાયેલી છે, જે સામાન્ય જનતાથી દૂર છે — અને જે રાજ્યના ખજાનાને વર્ષો સુધી ભારમાં મૂકી શકે છે.
હાલ રાજ્યમાં દોડતી લગભગ 250 પ્રીમિયમ (એસી અને વોલ્વો) બસો ખરેખર એસટીની નથી! આ બસો ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી ભાડે લેવામાં આવી છે. અને તેના માટે દર મહિને ચૂકવાય છે — લગભગ ₹13 કરોડ! અર્થાત્ વર્ષનું સીધું ગણિત: ₹156 કરોડ માત્ર ભાડું!
મામલો અહીં અટકતો નથી…સૂત્રો મુજબ, હવે નિગમ વધુ 1,000થી 1,200 નવી બસો પણ ભાડે લેવાનો પ્લાન બનાવી રહ્યું છે. જેમાં સમાવેશ થાય છે: 500 એસી બસ, 500 મિનિ બસ, 100 લક્ઝરી એસી બસ, 100 સ્લીપર બસ. ટૂંકમાં — “ખરીદ” નહીં, પરંતુ “ભાડે” પર આખી સિસ્ટમ ચલાવવાની દિશામાં આગળ વધતું એસટી!
કિલોમીટર દીઠ પણ મોંઘું!
હાલ ભાડે દોડતી બસો માટે ખાનગી કંપનીઓને ચૂકવાય છે: ₹26 થી ₹63 પ્રતિ કિલોમીટર. આ દરને જોતા સ્પષ્ટ થાય છે કે લાંબા ગાળે ખર્ચ કેટલો ભારે થઈ શકે છે. ગણિત કહે છે — આ તો નુકસાનનો સોદો! ચાલો સીધું ગણિત કરીએ: એક નવી પ્રીમિયમ બસની કિંમત: ₹1 થી ₹1.5 કરોડ. 250 બસ ખરીદવાનો કુલ ખર્ચ: આશરે ₹350 કરોડ
પરંતુ… હાલ માત્ર ભાડા રૂપે જ. દર વર્ષે: ₹156 કરોડ . માત્ર 2.5 વર્ષમાં: ₹390 કરોડ! એટલે કે — અઢી વર્ષના ભાડામાં તો 250 નવી બસો ખરીદી શકાય! અને એ બસો ચાલે: 10 થી 15 વર્ષ સુધી.
તો પછી પ્રશ્ન સીધો છે — ખરીદવાના બદલે ભાડું કેમ?
PPP મોડલ કે ખાનગીકરણ? સરકાર આ સમગ્ર પ્રક્રિયાને “PPP (Public Private Partnership)” તરીકે રજૂ કરે છે.
પરંતુ વિરોધીઓ અને કર્મચારી સંગઠનોનો દાવો છે કે: આ ધીમે ધીમે જાહેર પરિવહનનું ખાનગીકરણ છે. પહેલા બસ બનાવવાનું ખાનગી કંપનીઓને આપ્યું. હવે બસ ચલાવવાનું પણ તેમને સોંપાઈ રહ્યું છે.એટલે કે — એસટી માત્ર નામનું અને કામગીરી ખાનગી હાથમાં!
દેવાનો ડુંગર?
જો આ જ મોડલ ચાલુ રહ્યું તો અંદાજ છે કે: આગામી 10 વર્ષમાં ₹1,500થી ₹2,000 કરોડ સુધીનું ભાડું ચૂકવાશે. આ રકમ સીધી ખાનગી કંપનીઓના ખાતામાં જશે, જ્યારે એસટી પાસે પોતાની સંપત્તિમાં વધારો નહીં થાય!
જનતાને શું ખબર? સામાન્ય મુસાફર માટે: બસ સારી છે. સફર આરામદાયક છે પણ હકીકત એ છે કે: આ આરામનો ખર્ચ રાજ્ય લાંબા ગાળે ભારે રીતે ચૂકવી રહ્યું છે એસટીની એસી બસમાં મુસાફરી કરવી હવે ચોક્કસ વધુ આરામદાયક બની છે. પરંતુ આ આરામ પાછળનું આર્થિક ગણિત ચિંતાજનક છે.
www.gujaratupdates.com
