Trendingગુજરાતમુખ્ય સમાચાર

મોડી રાત્રે ધ્રૂજ્યું અમરેલી! સિસ્મોલોજી વિભાગે કરી પુષ્ટિ

અમરેલી 23 March , 2026: જિલ્લામાં ફરી એકવાર મોડી રાત્રે ધરતી ધ્રૂજતા લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. તારીખ 21 ના મધરાત્રિના સમયે 2.9 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે ખાસ કરીને ખાંભા અને ગીર પંથકના ગામોમાં રહેવાસીઓ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી ઘટના હોવાને કારણે લોકોમાં ભય વધુ વધી ગયો છે.અમરેલી જિલ્લામાં મોડી રાત્રે આવેલા 2.9 તીવ્રતાના આંચકાએ ફરી એકવાર લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.માહિતી અનુસાર, તારીખ 21 નારાત્રે આશરે 12:49 થી 12:50 વાગ્યાની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 44 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. આ ઘટનાની પુષ્ટિ Institute of Seismological Research (ISR), ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે.

ખાંભા અને ગીર પંથકમાં સૌથી વધુ અસર
ભૂકંપના આંચકાની અસર ખાસ કરીને ખાંભા શહેર અને તેની આસપાસ આવેલા ગામોમાં વધુ જોવા મળી હતી. તેમાં તાતણીયા, ઉમરીયા, પીપળવા, નાનુડી અને નાના વિસાવદર જેવા ગામોનો સમાવેશ થાય છે. મોડી રાત્રે અચાનક ધરા ધ્રૂજતા લોકો ભયભીત થઈ ગયા હતા. ઘણા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાએ પહોંચ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે થોડા સેકન્ડ માટે જમીન ધ્રૂજી હતી, પરંતુ તેનો અનુભવ સ્પષ્ટ રીતે થયો હતો. કેટલાક લોકોએ તો રાત્રે ફરીથી ઘરમાં જવાની હિંમત પણ ન કરી અને બહાર જ રહ્યા.

સંતોષજનક બાબત એ છે કે આ ભૂકંપના આંચકાથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જિલ્લા તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ સ્થિતિ પર નજર રાખી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્કતા દાખવી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી વાર ધરતી ધ્રૂજતા લોકોમાં ચિંતા વધી છે. વિશેષજ્ઞોના મતે, આ પ્રકારના હળવા આંચકાઓ સામાન્ય ભૂગર્ભીય પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, પરંતુ સતત આવતી ઘટનાઓને કારણે લોકોમાં માનસિક દબાણ અને ભય ઉભો થાય છે.

અગાઉ પણ નોંધાયા હતા આંચકા
માર્ચ મહિનામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. જેમાં 20મી માર્ચે ભાવનગરના મહુવા નજીક 2.9 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તે પહેલાં 2મી માર્ચે તાલાલા, 5મી માર્ચે દાહોદ, ભચાઉ અને બોટાદ, 6મી માર્ચે કચ્છના વિસ્તારોમાં તેમજ 7મી માર્ચે ઉના અને 12મી માર્ચે મહુવા અને તાલાલામાં પણ આંચકાઓ નોંધાયા હતા.આ રીતે, માત્ર એક જ મહિનામાં દસથી વધુ આંચકાઓ નોંધાતા ભૂકંપની ઘટનાઓમાં વધારો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

જાણો ક્યાં ઝોનમાં આવે છે અમરેલી ?
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લો સિસ્મિક ઝોન-3માં આવે છે, જ્યાં મધ્યમ સ્તરના ભૂકંપની શક્યતા રહે છે. આથી, નાના-મોટા આંચકાઓ સમયાંતરે અનુભવાય તે અચરજની બાબત નથી, પરંતુ સતત આવતી ઘટનાઓને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.