Breaking News: RTO અમદાવાદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Ahmedabad 06 April, 2026:અમદાવાદ શહેરમાં ફરી એક વખત સુરક્ષાને લઈને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી મુખ્ય RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધમકી મળતા જ RTO પ્રશાસને તાત્કાલિક કચેરી ખાલી કરાવી દીધી હતી. કચેરીમાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કામ માટે આવેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા આવેલા લોકોની સંખ્યા પણ મોટી હતી, જેમને કોઈપણ ટેસ્ટ લીધા વગર પરત મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટ ટ્રેક પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક ખૂણાની તપાસ કરીને કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો તેને નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ધમકી મેસેજ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ મેસેજ કોણે મોકલ્યો અને તેના પાછળનો હેતુ શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં અમદાવાદમાં સ્કૂલ, કોર્ટ અને પાસપોર્ટ ઓફિસને પણ આવી જ પ્રકારની ધમકીઓ મળવાના બનાવો સામે આવ્યા હતા, જેને કારણે સુરક્ષા તંત્ર વધુ સતર્ક બની ગયું છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાને કારણે લોકોમાં ભય અને ઉત્સુકતા બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ માટે કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે.
પ્રશાસન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.
www.gujaratupdates.com
