બપોરે ટિકિટ, સાંજે રાજીનામુ !
AAPમાં અનોખો રાજકીય ડ્રામા
Surat, 10 April 2026: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી બાદ જ પાર્ટીમાં અસંતોષ સામે આવ્યો હતો અને અંતે ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સાદડિયાએ સાંજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટી અંદર ચાલી રહેલા વિવાદ વચ્ચે, અગાઉ જ 500થી વધુ કાર્યકર્તાઓએ AAP છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ કાર્યકર્તાઓએ પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા તથા અન્ય અગ્રણીઓની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જોડાનારામાં 2021માં AAPમાંથી ચૂંટણી લડનાર આહીર સમાજના અગ્રણીઓ નીતાબેન બલદાણિયા તેમજ વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડનાર પંકજ સરખેડિયા સહિત અનેક કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત મોટા વરાછા વિસ્તારના સૃષ્ટિ વિસ્તારના અનેક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.
ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર ડોક્ટર પ્રીતિ સાદડિયાએ સોશિયલ મીડિયા પર AAP વિરુદ્ધ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, “દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના હોદ્દેદારો ફક્ત ઉઘરાણાંમાં જ વ્યસ્ત રહે છે અને સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે.”
આ ઘટનાક્રમથી સુરત મનપાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બનતી જોવા મળી રહી છે.
www.gujaratupdats.com
