મુખ્ય સમાચારઅમદાવાદગુજરાત

ક્યાં વિસ્તારોમાં થશે 10 દિવસ પાણી કાપ ?

નર્મદા કેનાલ રિપેરિંગથી અમદાવાદના 5 ઝોનમાં પાણીની અછત

Ahmedabad 07 May 2026 Gujarat Updates Team: અમદાવાદ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણી સંકટ ઊભું થવાની સ્થિતિ સર્જાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી હાથ ધરાતા આગામી 10 દિવસ સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠામાં 10 થી 15 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. શહેરના પશ્ચિમ, ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનના રહેવાસીઓને સવારે અને સાંજે પાણી પુરવઠામાં ઘટાડાનો સામનો કરવો પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જણાવાયું છે કે નર્મદા મુખ્ય કેનાલની RCC લાઇનિંગમાં થયેલા નુકસાનને કારણે સરદાર સરોવર નર્મદા નિગમhttps://ssnnl.gujarat.gov.in/ દ્વારા પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ અને રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કેનાલમાં પાણીનું લેવલ ઘટાડવામાં આવી રહ્યું છે, જેના સીધા પરિણામે કોટરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચતા કાચા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે.

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ કોટરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામાન્ય રીતે દરરોજ અંદાજે 1100 MLD પાણી શુદ્ધ કરીને શહેરના લગભગ 170 જેટલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો સુધી પહોંચાડે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં દરરોજ 50 થી 60 MLD પાણીની અછત સર્જાવાની શક્યતા છે. જેના કારણે પાણી પુરવઠામાં 10 થી 15 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે.

કયા વિસ્તારોમાં વધુ અસર થશે?
AMC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પશ્ચિમ અમદાવાદના પાલડી, ચાંદખેડા, સાબરમતી, વાડજ , નવરંગપુરા, નારણપુરા, વાસણા અને મોટેરા જેવા વિસ્તારોમાં પાણી પુરવઠામાં ઘટાડો થશે. ઉપરાંત પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો સહિત ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પણ અસર જોવા મળશે.

વિશેષજ્ઞોના મતે ઉનાળાની સિઝનમાં પહેલાથી જ પાણીની માંગ વધી જાય છે. આવી સ્થિતિમાં નર્મદા કેનાલમાં મરામત કામગીરી શરૂ થતાં પાણી પુરવઠા પર સીધી અસર પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો પહેલાથી જ પાણીની અછત અને બોરવેલના ઘટતા જળસ્તર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક ચર્ચાઓમાં પણ પાણીની સમસ્યા મુખ્ય મુદ્દો બની રહી છે.

AMCએ શું તૈયારીઓ કરી?
પાણી સંકટને પહોંચી વળવા AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે કોટરપુર વોટર વર્ક્સ ખાતે સ્ટેન્ડબાય પંપને 100 ટકા ક્ષમતાથી કાર્યરત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણ આધારિત પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હાલ વધારાના પંપો દ્વારા પાણી ખેંચીને સપ્લાય આપવામાં આવશે. તે સિવાય શહેરના વિવિધ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો પર આવેલા બોરવેલનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી પાણીની અછત ઘટાડવામાં મદદ મળી શકે. AMCના પાણી વિભાગે જણાવ્યું કે સમગ્ર સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે સમતોલ વિતરણ કરવાનો પ્રયાસ થશે.

શહેરની પાણી વ્યવસ્થા પર મોટી અસર
અમદાવાદ શહેરમાં દરરોજ લગભગ 1700 MLD પાણી સપ્લાય થાય છે, જેમાંથી કોટરપુર પ્લાન્ટનો હિસ્સો સૌથી મોટો છે. માત્ર કોટરપુર પ્લાન્ટ જ 1100 MLD પાણી પૂરું પાડે છે. તેથી અહીં કોઈપણ પ્રકારની વિક્ષેપજનક પરિસ્થિતિ સર્જાય તો તેની અસર સમગ્ર શહેરમાં અનુભવાય છે. તાજેતરના વર્ષોમાં અમદાવાદમાં વસ્તી અને શહેરીકરણ ઝડપથી વધતા પાણીની માંગમાં પણ ભારે વધારો થયો છે. પશ્ચિમ અમદાવાદ અને શહેરના નવા વિકસતા વિસ્તારોમાં નર્મદા પાણી પર નિર્ભરતા વધી રહી છે. થોડા મહિનાં પહેલાં જ પશ્ચિમ અમદાવાદ માટે વધારાના 467 MLD નર્મદા પાણી ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

AMCની નાગરિકોને ખાસ અપીલ
AMCએ નાગરિકોને પાણીનો બગાડ ટાળવા અને જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આગામી 10 દિવસ સુધી કાર ધોવા, બગીચામાં વધુ પાણી વાપરવા અને અનાવશ્યક પાણી વેડફવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ કેનાલ રિપેરિંગ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ફરી સામાન્ય સ્થિતિમાં આવી જશે. હાલ AMC અને નર્મદા નિગમ બંને વિભાગો સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી શહેરમાં પાણી સંકટ વધુ ગંભીર ન બને.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.