ખેતીની જમીન લે-વેચ ને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar 06 April, 2026 Gujaratupdates.com : ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી-વેચાણને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી (6 એપ્રિલ, 2026) રાજ્યભરમાં ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજોની નોંધણી માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. આ બદલાવનો મુખ્ય હેતુ જમીન સંબંધિત વ્યવહારોને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે.
જાણો નવો નિયમ: હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ નોંધણી વખતે નીચેના પુરાવાઓ ફરજિયાત રજૂ કરવા પડશે:
- તાજું ગામ નમુના નંબર 7/12
- દસ્તાવેજ સહી તારીખથી 25 વર્ષ અગાઉની છેલ્લી નોંધ
- છેલ્લા 25 વર્ષ દરમિયાન થયેલા તમામ હકપત્રક (ગામ નમુના નંબર 6)ના ઉતારા
આ તમામ દસ્તાવેજો વગર હવે કોઈપણ વેચાણ દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં. રાજ્ય સરકારે ઈ-ધરા ડિજિટલ લેન્ડ રેકોર્ડ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને જમીન સંબંધિત વ્યવહારોમાં પારદર્શકતા લાવવા માટે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ફેરફારો કર્યા હતા.
આ નવા નિયમો હેઠળ:
- જમીન પર કોઈ વિવાદ અથવા કેસ ન હોવો જોઈએ
- હકપત્રકમાં નામ ધરાવતા તમામ વ્યક્તિઓએ વેચાણખત પર સહી કરવી જરૂરી
- વેચાણખત પહેલા ઓછામાં ઓછા એક વર્ષ સુધી હકપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયેલો ન હોવો જોઈએ
આ શરતો પૂર્ણ થાય તો ફેરફાર નોંધ એક જ દિવસે નોંધાઈ અને પ્રમાણિત કરવામાં આવશે.
પુરાવા નહીં આપો તો શું? જો જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો:
- સબ-રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ સ્વીકારશે નહીં
- અરજદારને 30 દિવસની અંદર જિલ્લા રજિસ્ટ્રાર-કલેક્ટર પાસે અપીલ કરવાની તક મળશે
શું બદલાશે? આ નિર્ણયથી:
- બોગસ અને ગેરકાયદેસર જમીન વ્યવહારો પર રોક લાગશે
- જમીન માલિકીના પુરાવાઓ વધુ મજબૂત બનશે
- ખરીદદારો માટે જોખમ ઘટશે
રાજ્ય સરકારના આ પગલાને જમીન વ્યવહારોમાં વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
